Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

સશકત નારી-સશકત સમાજ : વુમન પાવર ઓફ ઇંડિયા

હું પહેલાં એક માતા છું, પછી કારકિર્દી અને પછી એક પત્ની-ઇન્દ્રા નૂઇ (કોલા કંપનીના સીઇઓ)

8મી માર્ચ એટલે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ. આ અંગે ચાલો ડો. પુનિતા હર્ણે સાથે વાતચીત કરીએ. તેઓનું સુત્ર છે કે, સશકત નારી - સશકત સમાજ - સશકત રાષ્ટ્ર (ડો. પુનિતા હર્ણે - ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ વિભાગના પ્રોફેસર છે) તેઓ કહે છે કે આજે આટલા આધુનિક યુગમાં પણ સ્ત્રીને પોતાના શરીરથી લઈને દરેક પ્રકારની અસલામતી અનુભવાય છે. સ્ત્રી આજે પણ અનેક પ્રકારે અસુરક્ષિત છે. આજે પણ સ્ત્રી-જાતિના જન્મને સમાજ ઉત્સાહથી સ્વીકારતો નથી. અન્ય બાબતોમાં આટલો પરિવર્તનશીલ અને કહેવાતો વિકાસશીલ સમાજ સ્ત્રી પ્રત્યેની માનસિકતા બદલવામાં હજુ પણ પછાત જ છે. આજે પણ સ્ત્રી દેહનો અસ્વીકાર, સ્ત્રી બુદ્ધિનો અસ્વીકાર અને સ્ત્રીની લાગણીનો અસ્વીકાર કરવામાં આવે છે, જેનું પાયાગત પરીવર્તન ખુબ જ જરૂરી છે. તેઓ માત્ર એક જ વાકયમાં પોતાની વાત સમજાવતા કહે છે કે જો સ્ત્રી સશકત હશે તો સમાજ સશકત બનશે, અને જો સમાજ સશકત હશે તો રાષ્ટ્ર સશકત બનશે. ઇન્દ્રા નૂઇ જયારે કોલા કંપનીના સીઇઓ બન્યાં ત્યારે એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતું, "હું પહેલાં એક માતા છું, પછી કારકિર્દી અને પછી એક પત્ની. તેમની આ વાતમાંથી એ સૂર નીકળે છે કે આજે વર્કિંગ વુમન અને કેરિયર ઓરિએન્ટેડ યુવતીઓની સંખ્યા વધી રહી છે, જેમના માટે પુરુષ અને સંબંધો બીજા-ત્રીજા સ્થાને આવે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે સ્ત્રી હોવા છતાં તેઓ પોતાની આંતરિક વાતને પ્રામાણિકતાથી, કોઇ પ્રકારના ભય વિના વ્યકત કરે છે.સમય બદલાવાની સાથે પ્રાથમિકતાઓમાં પણ પરિવર્તન આવ્યું છે. બીજા શબ્દોમાં, વિકસેલી નારીશકિતએ આજે પુરુષને પાછળ રાખી દીધો છે. સ્ત્રી પોતાની કારકિર્દી સાથે પરિવાર અને પતિનું સંતુલન જાળવતાં શીખી ગઇ છે. પતિને પરમેશ્વર માની ઘરમાં બેસી રહેનારી પત્ની શહેરી નોકરિયાત મહિલા બની રહી છે.

લગ્ન વિશે આજની યુવતીને પૂછવા જઇએ તો કેવો જવાબ મળે છે, જાણવો છે? લગ્નની ઉંમર વટાવી ચૂકેલી હીરલ કોર્પોરેટ ઓફિસમાં ઉંચા હોદ્દા પર છે.લગ્ન વિશે પૂછતાં એ હસીને કહે છે, ‘લગ્ન? હજી સુધી મારા મનમાં આનો વિચાર સુઘ્ધાં નથી આવ્યો. અત્યારે લગ્ન તો શું, રોમાન્સ કરવાનોય સમય નથી મારી પાસે. મારાં મમ્મી-પપ્પા પણ મને લગ્ન કરવા આગ્રહ નથી કરતાં. મારી મમ્મી જયારે મારી ઉંમરની હતી ત્યારે બે બાળકોની મા બની ગઇ હતી. હું એ ગાડરિયા પ્રવાહમાં વધવા નથી માગતી.’

સ્ત્રીઓ માટે અનંત શકયતાઓ: આજે પુત્રી પુત્રસમોવડી બની પિતાની પડખે ભી રહે છે. નીતા કોલેજમાં હતી ત્યારે એના પપ્પા નિવૃત્ત થયા. હવે એમની આર્થિક સ્થિતિ પોતાનું ઘર ખરીદી શકાય એટલી સઘ્ધર નહોતી કેમ કે જેટલા રૂપિયા હતા એ સંતાનોને ભણાવવા-પરણાવવામાં ખર્ચાઇ ગયા હતા. નીતા નોકરી કરતી હોવાથી એણે પપ્પા માટે એક ફલેટ ખરીદ્યો. એટલે સુધી કે એણે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. આજની યુવતીઓ 21 વર્ષથી 32 વર્ષ સુધીમાં શ્રેષ્ઠ બધું મેળવી લે છે. ઇચ્છિત ડિગ્રીઓ, આર્થિક, ભાવનાત્મક અને સેકસ્યુઅલ સ્વતંત્રતા.


સ્ત્રી-પુરૂષ વચ્ચેની સમાનતા: આર્થિક સ્વતંત્રતાએ સ્ત્રીને વધુ સ્વતંત્ર, સ્વીકાર્ય અને અનંત શકયતાઓ દર્શાવી છે. સ્ત્રીની સક્ષમતામાં વધી છે. સમાનતા-એ શબ્દ ઉમેરાયો છે. સ્ત્રીઓ આજે એવું માનતી થઇ છે કે તે દરેક ક્ષેત્રે અને દરેક રીતે પુરુષની સમકક્ષ બની છે. આજે એ એટલું કહી શકે છે કે એની નોકરી અને બાળકોને પુરુષ દ્વારા મદદ મળી છે અને એથી એનું અને એના પતિનું અસ્તિત્વ છે.

પુરુષ માટે હવે પ્રશ્ન ઉભો થયો કે છે કે એનું સ્થાન કયાં છે? આજની યુવતીને પૂછવામાં આવે કે પતિ તરીકે કેવો પુરુષ ગમે? તો જવાબ મળે છે-બુદ્ધિશાળી અને સેન્સ ઓફ હ્યુમર ધરાવતો. પુરુષ પર નવી જવાબદારી આવી કે લાગણીશીલ, બુદ્ધિશાળી હોવાની સાથોસાથ એનામાં સેન્સ ઓફ હ્યુમર હોવી જોઇએ. પુરૂષ પાસે હવે એક જ માર્ગ રહ્યો છે. સ્ત્રીથી અલગ હોવા છતાં પણ સમાન બને.

દીપા શાલિનીને કહેતી હતી, ‘તને ખબર છે? કાલે નેહા અને એનાં સાસુ વરચે ખૂબ બોલાચાલી થઈ હતી. બંને એટલાં મોટા અવાજે બોલતાં હતાં કે અમારા ઘરમાં સંભળાતું હતું...’ શાલિનીએ દીપાની વાતમાં સૂર પુરાવ્યો, ‘તો સાસુ બોલે એમાં નવાઈ શાની? મેડમ ઓફિસેથી મોડાં મોડાં ઘરે આવે છે. અરે! નોકરીનું તો બહાનું છે. ઘરનું કામ ન કરવું પડે એનું. ઓફિસમાં વાતોનાં વડાં જ કરતી હશે.’ દીપા હોય કે શાલિની કોઈ પણ ઘરમાં રહેતી એટલે કે ગૃહિણીઓને એમ જ લાગે છે કે નોકરિયાત અર્થાત વર્કિંગ વિમેન તો મોજમજા જ કરે છે. અલબત્ત, દરેક ગૃહિણી મતલબ કે હાઉસવાઈફ આવું નથી વિચારતી હોતી. તેમ છતાં આવી વાતો જયારે નોકરિયાત મહિલાઓના કાને પડે છે, ત્યારે એમના મન પર કેવી અસર થાય છે. એ કોઈ નથી જાણતું.

સરકારી નોકરી કરતી વૈભવીનું આ અંગે કહેવું છે, ‘પહેલાં જયારે આવી વાતો સાંભળવા મળતી, ત્યારે બહુ ખરાબ લાગતું હતું. હવે ટેવાઈ ગઈ છું. એમનું કામ છે આવી વાતો કહેવાનું અને અમારું કામ એ સાંભળવાનું. જો ગૃહિણીઓને એમ લાગતું હોય કે અમે લોકો તૈયાર થઈને ‘મેડમ’ બનીને ઓફિસે જઈએ છીએ અને માત્ર ગપાટાં મારીએ છીએ. તો એ બધાં આખો દિવસ શું કરે છે?’ જયારે અન્ય એક કંપનીમાં નોકરી કરતી અંજુનું કહેવું છે, ‘હું તો આ બધી માથાકૂટમાં પડતી જ નથી. જેને જે કહેવું હોય તે કહે, મને એવી વાતોની લગીરે પરવા નથી. એમ પણ અમે વિચારી શકીએ ને કે ગૃહિણીઓને તો ઘરમાં નિરાંત છે, મજા કરે છે. તેમ છતાં અમે એવું નહીં કહીએ કેમ કે અમને પણ ખબર છે કે તેઓ ખૂબ કામ કરે છે.

લોકો તો બોલવાનાં : એક તરફ વૈભવી અને અંજુ જેવી વર્કિંગ વુમન છે, જેઓને આવી વાતોથી કંઈ ફેર નથી પડતો. જયારે કેટલીક મહિલાઓ એવી પણ છે જે ચૂપ નથી રહેતી. કોઈ એમના વિશે કંઈ બોલે કે વાત કરે તો તે એમના માટે સામાન્ય બાબત નથી. ભાવનાની જ વાત કરીએ એ કહે છે, ‘મારા વિશે કોણ શું કહે છે તે વાત પર હું ખાસ ઘ્યાન આપું છું. નોકરિયાત મહિલાઓ વિશે કોઈને કંઈ બોલવાની તક મળે તો કોઈ એ તક છોડતાં નથી. જેમની પાસે કંઈ કામ ન હોય, તેમને એક જ કામ હોય છે બીજાની કુથલી કરવી. એકની વાત બીજાને કહેશે અને બીજાની વાત પહેલાંને. આવી સ્ત્રીઓને તો સમજાવવી પડે છે.’

નોકરિયાત મહિલાઓ પ્રત્યે ગૃહિણીઓની એક સર્વસામાન્ય ફરિયાદ હોય છે કે તેઓ આસપાડોસમાં સંબંધ નથી રાખતી. આ અંગે પોસ્ટ અૉફિસમાં નોકરી કરતી આરતી ખડખડાટ હસતાં કહે છે, ‘મારા માટે એવું કહેવાય છે કે હું કોઈની સાથે વાત સુદ્ધાં નથી કરતી અને આ વાત પાછી મને મારાં સાસુ પાસેથી જાણવા મળી. એ વખતે તો મને ખૂબ ખરાબ લાગ્યું હતું, પણ મારા પતિ અને સાસુએ મને ખૂબ સમજાવી. ગૃહિણીને એવું લાગે છે કે અમારી-નોકરિયાત મહિલાઓ પાસે કંઈ કામ નથી હોતું. તેમને એ ખબર નથી હોતી કે જે રીતે તેઓ ઘર-પરિવારને સંભાળે છે એ રીતે અમે બે મોરચે કામ કરીએ છીએ. એક ઓફિસ અને બીજું ઘર. કયાંય પણ નાનીસરખી ભૂલ થઈ કે ઠપકો સાંભળવા મળવાનો જ.’

કેવું વર્તન કરવું? : લોકો ભલે ગમે તે કહે, પણ એક વાત તો સાચી છે કે નોકરિયાત મહિલાએ ઘર અને ઓફિસ એમ બંને ઠેકાણે કામ સંભાળવાનું હોય છે, એ જ રીતે ગૃહિણીએ પણ આખા ઘરની જવાબદારી સંભાળવાની હોય છે. બંનેના કામનું પ્રમાણ સરખું જ છે. પછી મતભેદ શા માટે? જો નોકરિયાત મહિલાઓ અને ગૃહિણીઓ એકબીજાની સમસ્યા, મુશ્કેલીઓ વિશે જાણી લે, સમજી લે તો એમનામાં કયારેય મતભેદ નહીં થાય. ગૃહિણી ભલે કમાતી ન હોય, પરંતુ જો નોકરિયાત મહિલા ફાઇનાન્સ મિનિસ્ટર હોય, તો તેઓ પણ હોમ મિનિસ્ટર છે પોતાના ઘર-પરિવારની. હા, નોકરિયાત મહિલાઓએ આડોશપાડોશમાં સૌ સાથે હળીમળીને રહેવું જોઇએ. કેમ કે જરૂર પડે ત્યારે એ લોકો જ પડખે આવીને ભાં રહે છે. તેમનાં ખબરઅંતર પૂછતાં રહેવું જોઇએ. કોઇના ઘરે જઇને બેસવાનો સમય ન મળે માની લીધું, પણ વાર-તહેવારે તેમના ઘરે જઇને ‘કેમ છો?’ કહેવા જેટલી ઔપચા-રિકતા દાખવવી જોઇએ. જો ઓફિસેથી ઘરે પાછી ફરી રહી હોય અને સામેથી પાડોશણ આવતી દેખાય તો બે મિનિટ ભાં રહી ખબરઅંતર પૂછી લેવાય. આટલું કરવાથી પણ તેમને લાગશે કે તમે પણ તેમનામાંના જ એક છો.

જો તમે પાડોશીઓ સાથે હળીમળીને નહીં રહો તો તેમને લાગશે કે આ તો પોતાની દુનિયામાં જ રહે છે. એની સાથે શું વાત કરે? વાત કરવામાં પહેલ કરવાથી કોઇ નાનું નથી બની જતું.

ગૃહિણીએ એક વાતનું ઘ્યાન રાખવું જોઈએ કે જેમ એ ઘરમાં રહીને બધું બનાવી શકે છે એવું નોકરિયાત મહિલા નથી કરી શકતી. પોતાના વધારાના સમયમાં એણે ઘરના કામ પતાવવાનાં હોય છે. એની પાસે પોતાના માટે પણ સમય નથી હોતો.

જે રીતે નેકરિયાત મહિલાઓ પાસે ઓફિસનું કામ હોય છે, એ જ રીતે ગૃહિણીએ પણ ઘરના બધાં કામ કરવાનાં હોય છે. ગૃહિણી ઘરમાં રહીને સ્વેટર ગૂંથે, પાપડ-અથાણાં બનાવે, વિવિધ નાસ્તા બનાવે છે. જયારે નોકરિયાત મહિલાઓ પાસે એટલો સમય નથી હોતો કે તેઓ સ્વેટર ગૂંથી શકે અથવા પાપાડ-અથાણાં બનાવી શકે. આથી આ બધી વસ્તુઓ તેઓ બજારમાં જઈને રૂપિયા ખર્ચીને લાવે છે. ગૃહિણી આ બધું ઘરે બનાવીને એટલા રૂપિયા બચાવે છે. આમ, જો નોકરિયાત મહિલા જો કમાઈને ઘર-પરિવારને આર્થિક મદદ કરે છે, તો ગૃહિણી આ રીતે બચત કરીને ઘરમાં મદદરૂપ થાય છે.

નોકરિયાત મહિલાઓ નોકરી કરતી હોવાથી અને એથી અનેક લોકોને મળવાનું થતું હોવાથી એમની પાસે વાત કરવાના અનેક વિષય હોય છે, એ ખરું. જો ગૃહિણી એમના જેવી બનવા માંગતી હોય તો એણે પોતાના માટે સમય ફાળવવો પડે. જો એ પોતાના માટે સમય ફાળવે, કંઈ વાંચે-લખે કે ઇતર પ્રવૃત્તિ કરે તો એની જાણકારીમાં વધારો થશે અને એની પાસે પણ વાત કરવાના અનેક વિષય હશે. અનેક બાબતની જાણકારી એ પણ ધરાવતી થશે. મહિલા-નોકરિયાત હોય કે ગૃહિણી-કયારેય એકબીજાના કુથલી કે નિંદા ન કરવી જોઇએ. આવી વાતોથી એમની પોતાની જ છાપ ખરાબ થાય છે. અરે! ઘણી વાર તો લોકોને આવી મહિલાઓ સાથે વાત કરવાનું પણ નથી ગમતું.


સરપંચ ડો.જૈમિનિબેન પટેલની આત્માકથા-
હાથમાં કયારેક પુસ્તક તો કયારેક પાવડો. ખેતીકામ, ગામના લોકોની સમસ્યા હલ કરનાર સરપંચ ડૉ. જૈમિનિબેન. અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. હૈયામાં હોંશ અને જીગરમાં જોમ હોય તો કોઇ કામ અશકય નથી હોતું. પછી ભલેને તે સ્ત્રી હોય. આજના મોડર્ન યુગમાં નારી પુરુષ સમોવડી થઇ ગઇ છે. દરેક ક્ષેત્રમાં તે પુરુષ સાથે ખભે ખભા મિલાવીને કામ કરે છે.

સવારના ખેતીકામ કરવું બપોરના કોલેજમાં વિધાર્થીઓને ભણાવવા, સાંજના પંચાયતમાં લોકોના પ્રશ્નો હલ કરવા સાથે ગામના વિકાસને વેગ આપવો આટ આટલી જવાબદારી સાથે કુટુંબના મોભી તરીકેની પણ ફરજ નિભાવવી. એટલું સરળ કામ નથી. આમ છતાં આણંદ નજીક જીટોડિયા ગામે રહેતા ડૉ. જૈમિનિબેન પટેલ આમ મહિલાની માફક સહજતાથી પોતાની ફરજ નિભાવવા સાથે રોજીંદા જીવન જીવી રહ્યા છે.

ગામમાં રિંકુફોઇના હુલામણા નામથી ઓળખાતાં જૈમિનિબેન પટેલના નામની આગળ ડૉકટર લખાય છે. તેમને પી.એચડી. કરીને ડૉકટરેટનું બહુમાન પ્રાપ્ત કર્યુ છે. સંઘર્ષમય જીવન વિતાવવા છતાં તેમને જીવનમાં કશી ફરિયાદ નથી. સિમ્પલ લીવીંગ અને હાઇ થિંકીંગ માં માનનારા ડૉ. જૈમિનિબેન ફકત ગાંધીજી વિશે વાંરયુ નથી. પરંતુ તેમના આદર્શોને વાસ્તવમાં જીવનમાં ઉતાર્યા છે. દિવસ દરમ્યાન સયમે સમયે તેમની ભૂમિકા બદલાય છે.

શરૂઆત આશી ગામે હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવ્યા બાદ છેલ્લા 17વર્ષથી તેઓ વિધાનગર સ્થિત એમ.બી. પટેલ કોલેજ ઓફ એજયુકેશનમાં અઘ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે. આમછતાં એકદમ સાદગીભર્યુ જીવન જીવી રહ્યા છે. સવારના ચાર વાગે ઉઠી જઇને દિનચર્યા પતાવી દઇ ગામમાં આંટો મારવા નીકળી જવાનું ત્યાંથી ખેતરે પહોંચી જઇને ખેતીકામમાં ઘ્યાન આપવાનું તેઓ ખેતીકામની દરેક પ્રકારની સૂઝ ધરાવે. કયારેક વહેલી સવારના પાણી વાળવા માટે પણ પાવડો લઇને ખેતરે પહોંચી જાય.

ખેતીમાં રસ લઇને જાતે જ કામ કરવાનું ખેતરેથી પર ફરતાં ગ્રામજનોના પ્રશ્નો સાંભળવા કયાંક કોઇને તકલીફ ન પડે તેની વિશેષ કાળજી લે. દસ વાગે એટલે કોલેજ જવા નીકળી જવાનું જયાં ખેડૂત મટી જઇને અઘ્યાપક બનીને વિધાર્થીઓને ભણાવવા સાથે સાથે જીંદગી જીવવાનો સાચો રાહ ચીંધવાનું કામ કરે. કોલેજથી પરત આવી સાંજના પંચાયતમાં બેસીને ગામના વિકાસને વેગ આપે તેવા કાર્યોહાથ ધરવાનાં હાથમાં પુસ્તક હોય તો કયારેક પાવડો.

તેઓ લોકોની આલોચનાની પરવાહ કર્યા વિના જ આને જ જીંદગી માને છે. ડૉ. જૈમિનિબેનને તેમના પિતા મંગુભાઇ પટેલ પાસેથી પ્રેરણા અને હિંમત મળેલી. ખેતીકામ, ટ્રેકટર ચલાવવું, હળ ચલાવવું તેમના પિતાજીએ શીખવ્યું હતું તેઓ દરેક સીઝનમાં પાક લે છે. ગામમાં સૌથી સારો પાક તેમના ખેતરમાં થાય છે.

ઉરચ શિક્ષણ મેળવ્યું હોય ખેતીકામમાં નાનામાં નાની બાબતનો ખ્યાલ રાખે છે. સાથે સાથે ગામના વિકાસમાં પણ એટલુંજ ઘ્યાન આપે છે. સરપંચપદે ચૂંટાઇ આવ્યા બાદ અનેકના ઘર દીવાથી ઝળહળી ઉઠયા છે. ગામમાં પાકો માર્ગ, તળાવની ફરતે સંરક્ષણ દિવાલ જેવા અનેક વિકાસલક્ષી કાર્યોહાથ ધરવામાં આવ્યા છે.

અબળા એ અબળા નથી પરંતુ સબળા છે એમ માનતા ડૉ. જૈમિનિબેને જણાવ્યું કે જીવનમાં ગમે તેટલી વિપરિત પરિસ્થિતિ આવે હિંમત હારવી ન જોઇએ. મનોબળ મજબૂત રાખવું. સ્ત્રી માટે કશુંજ અશકય નથી સ્ત્રી ધારે તે કરી શકે છે. સમયે-સમયે અલગ-અલગ ભૂમિકા અદા કરતાં ડૉ. જૈમિનિબેને જણાવ્યું કે જયારે તે સરપંચની ફરજ નિભાવે છે ત્યારે ગ્રામ્યકક્ષાએ દરેક પ્રકારના માણસો સાથે કામ કરવું પડે છે.

એમાંય જયારે અશિક્ષિત લોકોને સમજાવવું થોડૂ મુશ્કેલ બની રહે છે. પરંતુ હંમેશા ગામડાના ગરીબ લોકોને વધુ સુવિધા મળે તે માટે પ્રયાસો કરીએ છીએ. જીટોડિયાને ગોકુળિયુ ગામ બનાવવાનું છે.ગામમાં ઉછેર થયેલો છે એટલે ગામડામાં રહેવાનું પસંદ કર્યુ છે. ગામડાની પ્રજામાં આત્મીયતા મુખ્ય છે. દુ:ખમાં ભાગીદાર થઇને હંમેશા મદદરૂપ થવાનો પ્રયાસ કરે છે.

જયારે કાલેજમાં પ્રોફેસર તરીકેની ફરજ નિભાવા અંગે ડો.જૈમિનિબેન કહે છે કે વિધાર્થીઓને સરળતાથી સમજાવી શકાય છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વિધાર્થીઓ અને ખાસ કરીને વિધાર્થીઓને માર્ગદર્શન આપવાનો છે. તેઓ માને છે કે યોગ્ય માર્ગદર્શન વિના કેટલાક યુવક-યુવતિઓ રસ્તો ભટકી જાય છે. જો સાચી દિશા મળે તો જીવનનો માર્ગ સરળ બની જાય છે.

ડો.જૈમિનિબેન પટેલ પર હાલમાં કુટુંબના આઠ સભ્યોની જવાબદારી છે. જૈમિનિબેન મંગુભાઇ પટેલના તેઓ સૌથી મોટી પુત્રી હતા. ત્યારબાદ રમેશભાઇ, રમીલાબેન, ઇન્દિરાબેન, રંજનબેન, એમ પાંચ ભાઇ-બહેન હતાં. થોડા વર્ષો અગાઉ તેમના ભાઇનું આકસ્મિક મોત થતાં તેમના વિધવા પત્ની અને તેમના બે બાળકોની જવાબદારી પણ આવી પડી્ પિતાના ઘરે રહીને તેમણે સમગ્ર જવાબદારી પોતાના માથે ઉપાડી લીધી.

બહેનોનું લગ્ન કરી સાસરે મોકલી્ ભાઇનાં બે બાળકોને સારૂં શિક્ષણ આપ્યું. હાલમાં ભાઇ-બહેનના પાંચ સંતાનોનું ભવિષ્ય બનાવી રહ્યા છે. બે વર્ષ અગાઉ તેમના પિતા મંગુભાઇ પટેલનું અવસાન થયું. ત્યારે પિતાની અર્થીને કાંધ આપી અને અગ્નિ સંસ્કાર પણ જાતે કરીને પરિવારના કુળદિપકની ફરજ નિભાવીને સાબિત કરી બતાવ્યું કે દિકરી પણ દિકરા સમાન જ છે. તેમને પોતાનું સમગ્ર જીવન પોતાના પરિવાર માટે સમર્પિત કરી દીધું.

જયાં નારી પૂજાય છે, ત્યાં હંમેશા દેવતાઓનો વાસ છે. આ ઉકિત વાંચવામાં તો સારી લાગે છે, પણ હકીકત કંઈક અલગ છે. આજના યુગમાં સ્ત્રીને સ્વતંત્રતા તો મળી છે, પરંતુ હજુ પણ તેણે સમાજની રૂઢિચુસ્ત માનસિકતાનો સામનો કરવો પડે છે, એટલેકે સ્ત્રી સ્વાતંત્રમાં પજુ પણ કંઈક ખૂટે છે, જેના માટે સમાજે જાગૃતતા કેળવવી જરૂરી છે.
અસ્વીકરણ